રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા વિપક્ષ એકત્રીત, 2019ના મહાગઠબંધનની રૂપરેખા થઇ રહી છે તૈયાર

India

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળોએ મોરચાબંધી શરૂ કરી દીધી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. મુલાકાતમાં વિપક્ષી દળો તરફથી એક જ ઉમેદવાર ઉતારવા મામલે ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના બહાને વિપક્ષી એકતાની કવાયત 2019ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના મહાગઠબંધનની રૂપરેખા પણ બનાવશે.

તાજેતરમાં યુપી સહિતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પંજાબને બાદ કરતા બાકીના રાજ્યોમાં વિપક્ષનો દેખાવ નબળો રહ્યો હતો. તેના કારણે વિપક્ષની ચિંતા ભાજપના વિજયરથને 2019માં રોકવાની છે. બિહારનું મહાગઠબંધન મોડલ વિપક્ષ પાસે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. મહાગઠબંધનની કવાયત વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિપક્ષી દળોની એકતાની અગ્નિપરીક્ષા સાબિત થવાની છે.

જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. જો કે આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ઈવીએમ, નોટબંધી, વિપક્ષી એકતા સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા એક જ ઉમેદવાર ઉતારવાની નીતિશ કુમારે પેરવી કરી છે. આ મામલે નીતિશ કુમારે એનસીપી અને ડાબેરી પક્ષના નેતાઓ સાથે પણ વાતચીત કરી છે.

ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ ઘણાં સક્રિય છે. ગુરુવારે મમતા બેનર્જીએ બીજેડીના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે પાટનગર ભુવનેશ્વર ખાતે મુલાકાત કરી હતી. પટનાયક અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચેના સંબંધોને સારા માનવામાં આવે છે. તેને કારણે મમતાની નવીન પટનાયક સાથેની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાતને ટીએમસી અને બીજેડીના ભાજપને પડકારવા માટે સાથે આવવાના સંકેત તરીકે જોવાઈ રહી છે.

ઓડિશામાં પંચાયતી ચૂંટણીમાં ભાજપે તાજેતરમાં સારો દેખાવ કર્યો છે અને પશ્ચિમ બંગાળમાં બે બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપના મતની ટકાવારીમાં ધરખમ વધારો થયો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મમતા બેનર્જી અને નવીન પટનાયકની મુલાકાત પર કટાક્ષ પણ કર્યો હતો.

લોકસભા ચૂંટણી બાદ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ બીએસપી સુપ્રીમો માયાવતીએ ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન બનાવવાના સંકેત આપ્યા છે. આ માટે નીતિશ કુમાર અને મમતા બેનર્જીની સક્રિયતાને કારણભૂત માનવામાં આવે છે. જેને કારણે સમાજવાદી પાર્ટી અને બીએસપીના સાથે આવવાની શક્યતા વધી છે.

વિપક્ષી દળોને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એકતાની આશા છે. જેડીયુઓનો તર્ક છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી વિરુદ્ધ વિપક્ષ હંમેશા એકસાથે આવ્યું છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ આમ જ થયું હતું. જેડીયુ પ્રમાણે કોંગ્રેસના કાર્યકાળમાં સેક્યુલર વિપક્ષ અને ભાજપના વિભાજને કોંગ્રેસનું કામ આસાન કરી દીધું હતું.

 

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}