અશાંત કાશ્મીરે વધારી ભાજપની ચિંતા, રામ માધવ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલની લેશે મુલાકાત

India

જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી ચાલતા હિંસક દેખાવો અને છેલ્લે પથ્થરબાજો દ્વારા આતંકવાદી અભિયાનો દરમિયાન સુરક્ષાદળો પર પથ્થરમારાની ઘટનાઓ ચિંતા પેદા કરનારી છે. જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને કાશ્મીરની પરિસ્થિતિ સંદર્ભે ભાજપના કોર ગ્રુપની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વરિષ્ઠ પ્રધાનો ભાજપના સંગઠન મહામંત્રી રામલાલ અને પાર્ટી મહાસચિવ રામ માધવે કાશ્મીરની વણસતી પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી હતી.

 

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીની ગઠબંધન સરકારની રચનામાં રામ માધવની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. જો કે રામ માધવે પીડીપી સાથેના ગઠબંધનને વિચારધારાત્મક અથવા તો રાજકીય ગણવાનો ભૂતકાળમાં ઈન્કાર કર્યો હતો અને તેને એડમિનિસ્ટ્રેશન માટેનું ગઠબંધન ગણાવ્યું હતું. ભાજપના મહાસચિવ રામ માધવ જમ્મુની મુલાકાતે છે. તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરવાના છે. તેમની સાથે જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ એકમના વરિષ્ઠ નેતાઓ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચાની સંભાવના છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં સીઆરપીએફના જવાન સાથે ગેરવર્તુણક અને બાદમાં સેના દ્વારા પથ્થરબાજને વાહન સાથે બાંધવાની ઘટના મામલે ભાજપ અને પીડીપી સામસામે છે. પથ્થરબાજને વાહન સાથે બાંધવાના મામલે જમ્મુ-કાશ્મીર સરકારે એફઆઈઆર દાખલ કરી છે. આ મામલે ભાજપના પ્રદેશ એકમમાં આંતરીક સ્તરે નારાજગી પ્રવર્તી રહી છે. ભાજપ કોર ગ્રુપની બેઠકમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા સુધીના વિકલ્પ પર વિચારણા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રામ માધવ અને ભાજપના નેતાઓની રાજ્યપાલ સાથેની મુલાકાત પર નજરો મંડાયેલી છે. આ મુલાકાત પહેલા રામ માધવે પીડીપીના નેતા અને જમ્મુ-કાશ્મીરના નાણાં પ્રધાન હસીબ દ્રબુ સાથે પણ મુલાકાત કરી હતી.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}