અમદાવાદમાં પોસ્ટ કૌભાંડના 2 અધિકારીઓના 23 સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

Ahmedabad

નોટબંધી બાદ એક પછી એક સરકારી કચેરીઓમાં આઇટી અને અન્ય એજન્સીઓની દરોડાની કાર્યવાહી યથાવત છે. અમદાવાદના નવરંગપુરા પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની ધરપકડ સીબીઆઈના એન્ટી કરપશન વિંગ દ્વારા કરવામાં  આવી છે. આ બંને અધિકારીઓને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરાયા. જેમાં કોર્ટે બંને અધિકારીઓના 23 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

નવરંગપુરા પોસ્ટઓફિસ ખાતે લાખો રૂપિયાની હેરફેર થઇ હોવાની શંકા પોસ્ટના વિજિલન્સ અધિકારીને થઈ હતી. જેના આધારે સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 6 લોકો સામે નોંધાયેલી ફરિયાદ મામલે સીબીઆઈ દ્વારા  પ્રથમ પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓની સઘન પૂછપરછ કરી હતી.

પૂછપરછ બાદ તમામ લોકોએ કબૂલાત કરી હતી કે, તેના ઉપરી અધિકારી એટલે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ અધિકારી મનોજ કુમાર અને સંજય અખાડેના આદેશ પર 18 લાખ રૂપિયા વગર દસ્તાવેજો બદલી આપવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા બંને અધિકારી મનોજ કુમાર અને સંજય અખાડેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ સીબીઆઈ દ્વારા બંને અધિકારીઓના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી મનોજ કુમારની ઓફિસ ખાતેથી 1 લાખ 67 હજાર જ્યારે તેના ઘરે તપાસ કરતા 1 લાખ 8 હજાર રોકડ રકમ મળી આવી છે. બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, હેરાફેરીનો આંક અઢી કરોડ રૂપિયા થવા જઈ રહ્યો છે તેની લઈને હાલ તપાસ યથાવત છે. મહત્વની વાત છે કે, આ રૂપિયા કોના-કોના હતા તેને લઈને તપાસ કરવામાં આવશે? તેણે કેટલા ટકા કમિશન લીધું હતું? અને અન્ય કોઈ લોકોના રૂપિયાની હેરફેર કરી છે કે નહિ? આ સિવાય અન્ય કોઈની સંડોવણી છે કે નહી તેને લઈને આગામી સમયમાં સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. નોટબંધી બાદ રાજ્યમાં પોસ્ટ વિભાગમાંથી પહેલી કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર પોસ્ટ વિભાગમાં સોંપો પડી ગયો છે.

BLOG COMMENTS POWERED BY DISQUS
{loadposition tab-1}
{loadposition tab-2}